વિહોતર ના પરાગણા અને ઓળખ
➖➖➖➖➖➖➖➖➖➖
ગુજરાતના વિહોતર રબારીઓએ આજે પણ વસવાટના પંથકોની ઓળખ જાળવી રાખી છે
ગુજરાતમાં વિહોતર રબારીઓની વસતી છેલ્લા પ્રાપ્ય આંકડા અનુસાર પાંત્રીસ લાખ જેટલી મનાય છે. રબારીઓમાં ભોપા, સોરઠીયા રબારી, વિણોયા રબારી, પાટણવાડિયા કે દેસાઇ રબારી, રાયકા, મારૃ, મારવાડી, દેવાંશી, કચ્છી-કાછી રબારીઓ નીચે મુજબના ૫૦ જેટલાં પરગણાઓમાં પથરાયેલા છે. પરગણાં-પંથકો આ મુજબ છે.
૧. વઢિયારપરગણું (રાધનપુર)
૨. ચુંવાળ પરગણું (બહુચરાજી)
૩. ડીસાવડ પરગણું (ડીસા)
૪. ચરોતર પરગણું
૫. બારગામ પરગણું
૬. પાટણવાડો પરગણું
૭. સમાલ પરગણું (સરસ્વતી જિલ્લો)
૮. ભાલ પરગણું
૯. હવેલી પરગણું
૧૦. કાનમ પરગણું
૧૧. દાંતાની સાઇઠ પરગણું
૧૨. બાવન પરગણું
૧૩. દોતોર પરગણું
૧૪. પાંચાલ પરગણું
૧૫. ગોહિલવાડ પરગણું
૧૬. ઝાલાવાડ પરગણું
૧૭. સોરઠ પરગણું
૧૮. વાગડ પરગણું
૧૯. ઢેબર પરગણું
૨૦. કાંસ પરગણું
૨૧. ગરડા પરગણું
૨૨. ખાખરિયા ટપ્પા પરગણું
૨૩. હાલાર પરગણું
૨૪. બાવીસી પરગણું
૨૫. છોત્તેર પરગણું
૨૬. વડનગર બારપરા પરગણું
૨૭. દંઢાય પરગણું
૨૮. મોડાસિયા પરગણું
૨૯. ઊંચી ખારી પરગણું
૩૦. નીચી ખારી પરગણું
૩૧. ચોર્યાસી પરગણું
૩૨. હળમાળિયું પરગણું
૩૩. તાપીકાંઠા પરગણું
૩૪. કાઠિયાવાડ પરગણું
૩૫. મચ્છુકાંઠા પરગણું
૩૬. કાંકરેચી પરગણું
૩૭. રાધનપુરી પરગણું
૩૮. ધાનધાર પરગણું
૩૯. દેહનું પરગણું (ઈડર - સાબરકાંઠા)
૪૦.અંબાલિયારું પરાગણું (તાલુકો બાયડ)
૪૧. ગઢવાળાં પરગણું (સતલાસણા)
૪૨. વેવરાં પરગણું (ખેરાલુ)
૪૩. બારકાંઠા પરગણું
૪૪. રાજ પરગણું
(આજે તો આ બધા પ્રાચીન પરગણાં બૃહદ ગુજરાતમાં વિલીન થઇ ગયાં છે અને ભૂલાઇ ગયાં છે.)
સૌરાષ્ટ્રમાં જામનગરથી લઇને ઓખા, બેટદ્વારકા પંથકમાં વસવાટ કરતાં રબારી ભોપા રબારી તરીકે ઓળખાય છે. જ્યારે ગીર વિસ્તાર અને તેની આજુબાજુના દરિયાકાંઠાના પોરબંદર, વેરાવળ, ઊના, કોડીનાર અને મહુધા સુધીના વિસ્તારમાં વસનારા સોરઠિયા રબારી કહેવાય છે.
જામનગરથી માંડીને દ્વારકા બેટ સુધીની ઓખા મંડળની સમગ્ર પટ્ટીમાં વસતા રબારી ભોપા રબારી તરીકે ઓળખાય છે. તેઓ ઘેટાં- બકરાં સાંઢિયા પણ રાખે છે. ભોપા રબારીઓમાં રાજપૂતોની અટકો વિશેષ જોવા મળે છે. કહેવાય છે કે તેમની એટલીક શાખો- અટકોના મૂળ નામો ઇરાન, બલુચિસ્તાન અને આરબ અમીરાતના નાના કબીલા (પંથકો)ના નામ સાથે સામ્યતા ધરાવે છે. સંશોધન માગે તેઓ રસપ્રદ આ વિષય છે. સોરઠિયા રબારીથી જુદા ગણાતા ભોપા રબારી મૂળે મારવાડથી ઉતરી આવ્યાનું જણાય છે. ભોપા શબ્દ જ મૂળે પૂજાપાઠ કરનાર માટે મારવાડમાં વપરાતો આવ્યો છે. વ્યૂત્પત્તિની રીતે ભોપા શબ્દ મૂળ ગોપ સંસ્કૃતિનો સૂચક છે. ગોપાળ શબ્દનું અપભ્રંશ રૃપ 'ગોપા' કાળાન્તરે તેમાંથી ભોપા થયું હશે એવો પણ એક મત પ્રવર્તે છે.
આ સિવાય જસદણ અને વેણું નદીને કાંઠે વસતા રબારી 'વિણોયા રબારી' ગણાય છે. જ. મ. મલકાણ અને શ્રી સી. ડી. પરીખ નોંધે છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વસતા પાટણવાડિયા રબારી 'દેહી' કે દેસાઇ રબારી તરીકે ઓળખાય છે. દેસાઇ રબારીઓમાં મુખ્યત્વે લૂણી, કટારા, શૈખોન, ચરમટા, ચારલિયા વેરે શાખો મળે છે. પેશ્વાના રાજ્યામલ દરમ્યાન દાભાજી ડાભડે ધોળકા વિસ્તારમાં ચોથાઇ ઉઘરાવવા આવતા જગમલ રબારીની મદદ લેતાં અને તેની પાસેથી ઘોડા ખરીદતા. પછીથી તેને વંશ પરંપરાગત ચોથાઇ ઉઘરાવવા 'સરદેસાઇ' તરીકે ચોથાઇ ઉઘરાવવાની કામગીરી સોંપેલ, જેથી તે વિસ્તારના રબારી સૌ પ્રથમવાર દેસાઇ તરીકે ઓળખાવા લાગ્યા. તે પછી ઉત્તર ગુજરાતનો સમગ્ર રબારી સમાજ દેસાઇ તરીકે ઓળખાવા લાગ્યો. ઉ. ગુજરાતના પાટણવાડીયા દેહાઇ રબારી સમાજ પાટણથી ધોળકા સુધી પથરાયેલો છે. ચુંવાળ, ખાખરિયા ટપ્પા, બાવીશી, છોત્તેર, હવેલી, બારી, મોડાસીમાંથી માંડી ખેડબ્રહ્માના વિજયનગર સુધીના વિસ્તારમાં વસતા દેસાઇ રબારીઓમાં તેમના પંથકના વસવાટના નામ ઉપરથી ડીસાવાળા, વાવેથી, થરાદી, ધાનેરી, વાલુકી, શામળિયા, કાનમી, ચરોતરી, વઢિયારી, વાગડિયા નામથી ઓળખાય છે.
ઉત્તર ગુજરાતમાં વસતા રબારીઓમાં ૫૦ ટકા વસતી રાયકા રબારીઓની છે. એમના માટે કહેવાય છે કે મહાભારતના યુદ્ધની પૂર્વ સંધ્યાએ વિરાટનગરીથી હસ્તીનાપુર રાતોરાત પવનવેગી સાંઢડી ઉપર સાડા ચારસો માઇલનું અંતર કાપી ઓતરાને હેમખેમ પહોંચાડવાનું કામ રત્ના રખેવાળને સોંપાયેલ. એ કાર્ય એણે સફળતાપૂર્વક પૂર્ણ કર્યું તે રબારી જ્ઞાાતિનો ઊંટ પાલક હતો. તે સમયથી તેમના વંશજો 'રા'ના રખેવાળ કે રાય (રાજાના) રખેવાળ તરીકે ઓળખાયા. આ રીતે તેના વંશજો આજદિન સુધી રાયકા તરીકે ઓળખાતા આવ્યા છે. તેમની વસતી હાલમાં પાલનપુર, દાંતા, થરાદ બાજુ જોવા મળે છે.
કચ્છમાં વાગડ, ઢેબર અને કાદૂની વિસ્તારો મુખ્ય છે. ત્યાંના આહીઓ વાગડિયા, ઢેબરિયાને કાછેલા તરીકે ઓળખાય છે. ગરડા વિસ્તારમાં નખત્રાણાથી લખપત સુધીના પંથકમાં કાછી કે કાછેલા રબારીઓનો વસવાટ જોવા મળે છે. તેઓ ગાયો વિશેષ રાખે છે અને બન્ની વિસ્તાર સુધી ચરાવવા લઇ જાય છે. અંજારથી ભચાઉ પ્રદેશમાં વિપૂલ સંખ્યામાં ઘેટાં-બકરાં રાખનાર ઢેબરિયા રબારીઓ વસવાટ કરે છે. તેઓ પોતાના માલ સાથે મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ સુધી વિચરણ કરે છે. જ્યારે રાપર અને તેની આજુબાજુના પ્રદેશમાં વાગડિયા રબારીઓનો વસવાટ જોવા મળે છે. તેઓ પોતાના ઘેટાંબકરાંના ઘાસચારા માટે મહેસાણા, અમદાવાદ અને ભરૃચ સુધી જાય છે. આ બધા રબારીઓ અષાઢ- શ્રાવણ માસમાં માદરે વતન કચ્છમાં પાછા આવી જાય છે.
સમાજકલ્યાણ ખાતાના પૂર્વ સંયુક્ત નિયામક શ્રી જે. બી.મલકાણને સરકારે સને ૧૯૯૩માં ગીર, આલેચ અને બરડામાંથી સ્થળાંતરીત થયેલી અનુસૂચિત જનજાતિના કુટુંબોના દરજ્જાની ચકાસણીનું કાર્ય સોંપેલ. તેમાં રબારી ભરવાડ તેમજ ચારણ નો પણ સમાવેશ થતો હતો. ૩૫૦૦ પાનના આ સર્વેક્ષણમાં તેમણે રબારીઓ, તેમના પંથકો, તેમની સંસ્કૃતિ અને રીતરિવાજો પર સંશોધનાત્મક માહિતી આપી છે. તેઓ લખે છે કે સૌરાષ્ટ્રના સોરઠિયા રબારીઓમાં મુખ્યત્વે કોડિયાતર, હૂણ, ભારાઈ, ગરચર, મુશાળ, શેલાણા, શામળા, ખાંભલા, કંલોત્રા, ખટાણા, સાંબડ, રગિયાર, કુછડિયા, કરમટા વગેરે શાખો જોવા મળે છે.
જામખંભાળિયા, જામનગર, જામજોધપુર અને ભાણવડ તરફ તથા આલેચ, બરડો, અને ગિર વિસ્તારમાં વસતા રબારી સોરઠિયા છે. આ રબારીઓ અને તેમાંથી સ્થળાંતરિત થયેલા રબારીઓની ગણના અનુસૂચિત જનજાતિમાં કરવામાં આવેલ છે. આ રબારીઓ ગિર, આલેચ, અને બરડાના નેસના વિસ્તારમાં ભેંસો વિશેષ રાખે છે. કેટલાંક કુટુંબો ઘેટાં- બકરાં પણ રાખે છે. તેઓ ઘાસચારાની સગવડ મુજબ પરંપરાથી સ્થળાંતર કરતાં હોવાથી તેમના કાચા ઝૂંપડાના સમૂહને 'નેસડા' કે 'નેસ' કહે છે. ખાલી નેસ નેખમ તરીકે અને ઝૂંપડા 'ઝોક' તરીકે ઓળખાય છે. પોરબંદરના બરડા વિસ્તારમા સોરઠિયા રબારીના ૩૭, બરડા (જામનગર) વિસ્તારમાં ૨૬, ગિરમાં ૩૫, ઊના દેલવાડા રેન્જમાં ૫૭ જેટલાં નેસ આવેલા છે. આ નેસના ઉલ્લેખો વનવિભાગ તરફથી ઢોર ચરાવવા કરરૃપે ઉઘરાવવામાં આવતી મસવાડીની પહોંચોમાં જોવા મળે છે. જૂના કાળે ૧૨૮ જેટલાં નેસ હતા. આજે ૩૫ નેસોનું નામોનિશાન નથી એમ શ્રી મલકાણ નોંધે છે.
ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા અને અમદાવાદના કેટલાક રબારીઓ 'હીરાવશી' ઉપનામથી ઓળખાય છે. આ કોઇ રબારીનો અલગ વંશ કે જાતિ નથી. મૂળે રબારી જ છે. એમ ગુજરાત રાજ્ય ગોપાલક બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી રણછોડ ભાઇએ સ્પષ્ટતા કરી છે. 'હીરાવશી'એનો મૂળ શબ્દ 'આહિરાવંશી' છે. એનું અપભ્રંશ થતાં હીરાવંશી અને છેવટે 'હીરાવશી' થયું. આજે રીક્ષા, ટ્રકો પાછળ 'હીરાવશી' શબ્દ લખેલો જોવા મળે છે. મતલબ કે આ વાહન રબારીનું છે. બનાસકાંઠા વિસ્તારમાં પાલનપુરની ઉત્તરે આવેલા કેટલાક ગામોમાં રબારી માથે પાઘડી ઉપર હીરનો યા હીરનો રંગ ધરાવતો પીળા રંગનો રૃમાલ કે પટ્ટો બાંધે છે. તેઓ પોતાને 'હીરાવંશી' કહેવરાવે છે.
ઉત્તર ગુજરાતના રબારીઓ રાયકા રબારી, મારવાડી રબારી તેમજ દેવાંશી રબારી તરીકે ઓળખાય છે. દેવાંશી રબારીઓ રાજસ્થાનમાં આબુથી શિરોહી સુધી અને જોધપુરના પંથકમાં જોવા મળે છે. ઉત્તર ગુજરાતની સરહદના વિસ્તારોમાં દેવાંશી રબારીઓની વસતી છે. તેમની બોલી રાજસ્થાની છે અને તેમનો વ્યવહાર પણ રાજસ્થાન સાથે સવિશેષ જોડાયેલો જોવા મળે છે.
દેસાઇ અને રાયકા રબારીઓ પાસે ખેતીની જમીનો પણ જોવા મળે છે. મહેસાણા તરફના પાટણવાડીયા રબારીઓમાં શિક્ષણનું પ્રમાણ ઘણું ઉંચુ છે. તેઓ છેક અમદાવાદ સુધી વસેલા છે. એમ કહેવાય છે કે અમદાવાદના પરા વિસ્તારોમાં વસતા રબારીઓ મુખ્યત્વે મહેસાણા જિલ્લાના પાટણવાડિયા કે દેસાઇ રબારી છે. જ્યારે અમદાવાદ શહેરની અંદરના ભાગમાં વસતા રબારી 'હવેલીપંથક'ના ગણાય છે. તેઓ પણ મૂળે દેસાઇ રબારી જ છે. તેમનો પંથક ધોળકા અને અમદાવાદથી લઇને ખેડામાં મહીકાંઠા સુધીનો ગણાય છે.
આ ઉપરાંત ભાવનગર બાજુના રબારી ગોહિલવાડી, સુરેન્દ્રનગર તરફ વસતા રબારી ઝાલાવાડી અને મોરબી પંથકના રબારી 'મચ્છુવા' રબારી તરીકે ઓળખાય છે. ગોહિલવાડી તથા ઝાલાવાડી રબારીને અમદાવાદ અને મહેસાણા જિલ્લાના રબારી સાથે સંબંધ છે. તે સૌ ધર્મની રીતે વડવાળા દેવને માને છે. સૌરાષ્ટ્રમાં આલેચ અને બરડા ડુંગર વિસ્તારમાં વસતા રબારીઓ અને ઘેડ વિસ્તારના રબારીઓ જુદા નથી. બરડાના જંગલમાં પશુપાલન કરતા રબારીઓ રાણાવાવ અને પોરબંદર નગર સુધી સંકળાયેલા છે. તેમના લગ્ન સંબંધો પણ સોરઠ, ગિરનાર, નાઘેર ઘેડ અને ગિરમાં વસતા રબારીઓમાં અરસપરસ થાય છે.
🙏રબારી સમાજ🙏
💪સંગઠન એજ શક્તિ💪
#rabari #Raika #desai #rayka #Dewasi
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો